ગોત્રી હોસ્પિટલમાં 13 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઉભી કરવામાં આવી છે.

વડોદરા : કોરોના મહામારીની સારવાર દરમિયાન દર્દીને  ઓક્સિજન ની જરૂરિયાત ઉભી થાય છે ત્યારે  પુરવઠો ખૂટે નહીં તેમાટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં પ્રવાહી પ્રાણવાયુની વિશાળ ટાંકી ઉભી કરાઈ રહી છે. રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઓક્સિજન બનાવતી કંપનીઓને જ પોતાના ઉત્પાદનનો 50 ટકા જથ્થો મેડિકલ હેતુ માટે જ પૂરો પાડવો તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે. જેને પગલે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં 13 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઉભી કરવામાં આવી છે. જો હોસ્પિટલોને વધુ ઓક્સિજનની જરૂર પડે તો આ જથ્થાની ટકાવારી 50 ટકાથી પણ વધારી શકે છે. વડોદરામાં સપ્ટેમ્બરમાં જ બેવાર ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજનની કટોકટી ઉભી થઇ હતી.
લોકડાઉન બાદ શરૂ થયેલા ઉદ્યોગોમાં ઓક્સિજનની માંગ વધતા હોસ્પિટલોમાં જથ્થો આવી શક્તો ન હતો. ગોત્રી હોસ્પિટલમાં આ મુદ્દે બે વાર કટોકટી ઉભી થતાં નોડલ ઓફિસર ડો. શીતલ મિસ્ત્રીએ કોરોના ઓએસડી  ડો. વિનોદ રાવનું ધ્યાન દોરતાં વડોદરાથી સરકારમાં આ મુદ્દે અસરકારક રજૂઆત થઇ હતી. ઓક્સિજન હોસ્પિટલોને યોગ્ય રીતે પહોંચે છે કે નહીં તેની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરને અપાઇ હતી, પણ આ બાબતે વડોદરામાં અનિયમિતતા આવતાં તેમને શો કોઝ નોટિસ પણ અપાઈ હતી

Comments