અંબાજી મંદિર મા ચડાવેલ ૯૦%ચાંદી નકલી નીકળ્યું

યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટે ભાદરવી પૂનમ બાદ ભંડારાની ગણતરી કરતાં છેલ્લાં બે વર્ષમાં ભક્તો દ્વારા માતાજીને ચડાવવામાં આવેલી પૂજાપાની ચાંદી નકલી હોવાનું સામે આવ્યું છે . જેને હવે ટ્રસ્ટ દ્વારા ખોટી ખાખર તરીકે ગણી હરાજી દ્વારા તેનો નિકાલ કરવામાં આવશે . યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરવા અને વિવિધ બાધા - આખડી પૂર્ણ કરવા આવે છે .અંબાજી આવતા માઈ ભક્તો દ્વારા આખડી પૂર્ણ કરવા સ્થાનિક પ્રસાદના સ્ટોર્સ પરથી ચાંદીનાં છત્રોથી માંડી યંત્રો , નેત્ર , માતાજીનાં પગલાં વગેરે ખરીદીને માતાજીના ભંડારામાં અર્પણ કરે છે . પરંતુ મા અંબાની સન્મુખ રાખેલી દાનપેટીમાં ચાંદીનાં છત્ર સીધા જ ભંડારામાં જમા થાય છે , જે નકલી હોવાનું સામે આવ્યું છે . શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના અકાઉન્ટ વિભાગના સવજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે , વર્ષ 2020 માં મંદિર કોરોના મહામારીને કારણે બંધ રહ્યું હતું . તેને બાદ કરતાં ભંડારાની ગણતરીમાં વર્ષ 2019-20માં ભંડારામાં 273 કિલોગ્રામ અને વર્ષ 2021 માં 113 કિલોગ્રામ ખોટી ચાંદીનો પૂજાપો એકઠો થયો છે . સોની પાસે દર વર્ષે આ જથ્થો ચેક કરાવાય છે , જેમાં આ ચાંદી નકલી હોવાનું સામે આવ્યું હતું . હવે આ નકલી જથ્થાને ‘ ખોટી ખાખર ’ તરીકે મૂલવી હરાજી દ્વારા તેના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે .

Comments